સાવરકુંડલામાં રેલવે સ્ટેશન પાસે બની રહેલા ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લગભગ એકાદ માસમાં આ કામ પૂર્ણ થવાની ધારણા છે. આ ફૂટ ઓવરબ્રિજ બનતા શહેરના ખાદી કાર્યાલય, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, માર્કેટ યાર્ડ તેમજ આ વિસ્તારમાં વસતાં અનેક રહીશોને કોઇ અવરોધ વગર રેલવેની સામે પાર પહોંચી શકાશે. આ બ્રિજ પર દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે કોઈ સુવિધા હશે કે કેમ? તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પોતે એક મનોરોગી બહેનને સારવાર અર્થે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે લઇ જતાં હતાં ત્યારે ફાટક બંધ હોવાથી મુશ્કેલી અનુભવી હતી. ઈમરજન્સી સારવાર માટે આવા બંધ ફાટક પણ ઘણી વખત દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આમ ફૂટ ઓવરબ્રિજ આવા દર્દીઓ માટે જીવનરક્ષકની ભૂમિકા પણ ભજવી શકે છે. રેલવે સ્ટેશન પાસેથી અનેક ટ્રેન પણ પસાર થતી હોય લોકોને એક વિસ્તારમાંથી સામેના વિસ્તારમાં વિના અવરોધે આવવા જવા માટે પણ ફૂટ ઓવરબ્રિજ ખૂબ જરૂરી છે.