આજના યુવાનોમાં ઝડપથી પૈસા વાળા બનવાની ઘેલછા જોવા મળે છે. જેના કારણે તેઓ ક્યારેક ખોટી વાતોમાં આવી જતા હોય છે. સાવરકુંડલાનો લેભાગુ ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગે મહુવાના યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપી રૂ. ૨૨.૯૦ લાખની છેતરપિંડી આચરી હતી. મહુવામાં રહેતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં સારૂ વળતર મળે છે તેમ કહી લાલચ બતાવી હતી જે બાદ મહુવાના યુવકે પોતાની બહેનના ગુગલ પે તેમજ મહુવા તેમજ ભાવનગરના જુદા જુદા આંગડિયામાંથી ૪૫ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી જે બાદ સાવરકુંડલા અને મહુવાના ચાર શખ્સો પૈકી આસીફ નામના શખ્સે પોતાના મોબાઇલના ક્યુઆર કોડનો ઉપયોગ કરી બાકી નીકળતી ૨૨.૯૦ લાખથી વધુની રકમ પરત ન કરી યુવક સાથે છેતરપિંડી આચરતા યુવકે મહુવા પોલીસમાં મહુવા અને સાવરકુંડલાના બે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવા ખાતે રહેતા અને એસ્ટ્રોટોલ્કની એપ્લીકેશનનું વેચાણ કરતા દેવાંગભાઈ ગિરીશભાઇ સાંગાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો મિત્ર આસિફ કાદરી રહે. મહુવા મળ્યો હતો અને આ આસિફે આરીફ સાથે દેવાંગભાઇને મેળવી આપેલ હતો ત્યાર બાદ આ બન્ને શખ્સોએ ક્રિપ્ટો કરન્સીમાં સારૂ વળતર મળતું હોવાની લાલચ હતી અને આ બન્ને શખ્સે સાવરકુંડલાના મહુવા રોડ મુક્તેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ સાથે દેવાંગભાઈને મેળવી ક્રિપ્ટો કરન્સી વિશે ઊંડાણમાં સમજાવી રોકાણ કરવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદી દેવાંગભાઈએ તેમની બહેન અને મહુવા અને ભાવનગરના આંગડિયા મારફત કુલ રૂપિયા ૪૫,૪૩,૫૨૫ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ દેવાંગભાઈના જમા નીકળતા રૂ.૨,૪૦,૨૨૫ જેટલી રકમ આરોપી આસીફે પોતાના મોબાઇલમાં રહેલ બીનાન્સ વોલેટમાં જમા કરાવી દેવાંગભાઇને પરત કરી ન હતી અને છેલ્લે દેવાંગભાઈને વધુ ૨૦,૫૦,૦૦૦નું રોકાણ કરાવી કુલ રૂ. ૨૨.૯૦,૨૨૫ રૂપિયાની છેતરપિંડી આચરતા દેવાંગભાઇએ ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ, આરીફ ઉર્ફે અબ્બા બાગોત, આસીફ અનવરમીયા કાદરી તેમજ અન્ય એક શખ્સ વિરૂદ્ધ મહુવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આરોપી છે સાવરકુંડલાનો હિસ્ટ્રીશીટર
ચિંતન મહેશ રાવળ ઉર્ફે દેવાંગ સાવરકુંડલાનો હિસ્ટ્રીશીટર છે. આ કેસમાં આંગડીયા દ્વારા કુલ ૪૫ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આંગડીયા દ્વારા પૈસાની લેતી-દેતી થઈ હોવાથી આ ઈસમે જ તે આંગડીયા મારફતે રૂપિયા મંગાવ્યા હતા તેની તપાસ કરવામાં આવે તો અન્ય કેટલા લોકોને આ રીતે ફસાવ્યા હતા તેનો પણ ખુલાસો થઈ શકે છે.