મુખ્યમંત્રી અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ અલગ અલગ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સાવરકુંડલા શહેરમાં રૂ.૧૨,૨૨૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાવરકુંડલાના વિવિધ ધાર્મિક સ્થળો અને હાસ્પિટલની મુલાકાત લીધી હતી. નૂતન વર્ષે દેવસ્થાનોમાં શીશ ઝુકાવી સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના રૂ.૧૦,૩૮૫ લાખના કામના ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૪૯૦ લાખ રુપિયાના કામના લોકાર્પણ અને રુ.૧,૩૪૭ લાખના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના સાવર વિભાગમાં અંદાજે ૩૦ વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં મકાનની સંખ્યા તથા વસ્તી વધતા ભૂગર્ભ ગટર સુધારણાની જરુરિયાત ઉભી થતા આ વિસ્તારમાં રુ.૫,૬૭૨ લાખના ખર્ચે ૬૭ કિ.મી. લંબાઈ ધરાવતી ૨,૨૯૫ ચેમ્પર અને ૩ ભૂગર્ભ પંપીંગ સ્ટેશન ધરાવતી ભૂગર્ભ ગટર યોજના ભાગ ૨નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા શહેરીજનોની માંગણીઓને ધ્યાને લેતા રુ.૨,૫૦૬ લાખના ખર્ચે નાવલી રિવરફ્રન્ટ યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.-૮૮ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ, બ્લોક પેવીંગ અને સ્મશાન સુધારણાના રુ.૬૦૦ લાખના ૨૬ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા યોજના, આર.સી.સી. સમ્પ, ઈ.એસ.આર, પાઇપ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના રુ.૧,૬૦૭ લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સાવરકુંડલાથી ૬ કિ.મી. દૂર હાથસણી ડેમ પાસે કૂવો બનાવી ત્યાંથી શહેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી લાવી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી પૂરું પાડવાનું આયોજન છે. મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડથી બાયપાસને જોડતા રુ.૪૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ૩ કિ.મી. સીસી રોડનું લોકાર્પણ થયું.આ લોકાર્પણ કાર્યક્રમમાં દિગજ્જ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વિધાનસભા નાયબ દંડક કૌશીક ભાઈવેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.