સાવરકુંડલાનાં સ્વપ્ન સમાન નાવલી નદી પર રિવરફ્રન્ટ તથા શહેરના વિવિધ વિકાસના કામો માટે લોકસહયોગ અને લોક જાગૃતિ સંદર્ભે સર્વ સમાજના લોકો સાથે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને પરજીયા સોની જ્ઞાતિ વાડી ખાતે મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં લોકસંવાદ કરી શહેરના વિકાસ અંગે ધારાસભ્ય દ્વારા સૂચનો પણ માંગવામાં આવેલ અને ધારાસભ્યની અપેક્ષાઓથી ઉપસ્થિત તમામને માહિતગાર કરી પોતાના કાર્યકાળ દરમિયાન પોતાનાથી તમામ શક્ય પ્રયાસો અંગે ધરપત આપી હતી. આ પ્રસંગે શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક, રાજકીય અગ્રણીઓ તેમજ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મહેશભાઈ કસવાળાએ ઉપસ્થિત તમામને તારીખ ૫-૧૧-૨૪ના રોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં સાવરકુંડલા ખાતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે આવવાના હોવાથી શહેરના નાગરિકોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાવલી નદી પર બનનાર રિવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર યોજના – ૨ અને વિવિધ વિકાસ કાર્યો તથા માર્કેટ યાર્ડ ખાતે ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.