મહુવા-રાજુલા-ઉના-સાવરકુંડલા સ્ટેટ હાઇવેના નવીનીકરણના નામે ખોદી નાખવામાં આવેલા માર્ગને કારણે ઉડતી ધૂળ અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત નાગરિકોના સમર્થનમાં સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા શુક્રવારે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મહુવા રોડ પર આવેલા મુખ્ય હાઇવે પર ચક્કાજામ કર્યો હતો, જેના પગલે રોડની બંને બાજુએ વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા ધૂળથી પરેશાન રાહદારીઓ, દુકાનદારો અને વાહનચાલકોને રાહત આપવા માટે ૪,૫૦૦થી વધુ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ મહુવા રોડની તમામ દુકાનોમાં રૂબરૂ જઈને દુકાનદારોને માસ્ક પહેરાવી ધૂળ સામે રક્ષણ મેળવવા અપીલ કરી હતી. આ તકે કોંગ્રેસના નેતાઓએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રોડનું કામ ઝડપથી પૂરું નહીં થાય અને ધૂળની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.







































