અમરેલી જિલ્લામાં જાણે વિધિવત ચોમાસુ બેસી ગયુ હોય તેમ છેલ્લાં સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ધારી, સાવરકુંડલામાં તો મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. સાવરકુંડલામાં સોમવારે મેઘરાજાએ જારદાર બેટીંગ કરતા દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વરસાદને કારણે તાત્કાલિક આશ્રમ નજીકનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ભારે વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યું હતું. વરસાદને કારણે ગ્રામ્ય પંથકોમાં કેરીના પાકને ભારે નુકસાન થયુ હતું. કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી છે.