અમરેલી જિલ્લામાં અપમૃત્યુના વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. સાવરકુંડલા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દીકરીની સગાઈ ન થતી હોવાના કારણે છેલ્લા બે વર્ષથી સતત માનસિક તણાવમાં રહેતી એક માતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે મુકેશભાઇ બાઘુભાઇ પાચાણી (ઉ.વ.૪૫) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની મૃતક અનસુયાબેન પાચાણી આધેડ છેલ્લા લાંબા સમયથી પોતાની દીકરીના લગ્ન અને સગાઈને લઈને ચિંતિત હતા. યોગ્ય મુરતિયો ન મળવાને કારણે સગાઈમાં વિલંબ થતો હોવાથી તેઓ છેલ્લા બે વર્ષથી ભારે માનસિક ટેન્શનમાં રહેતા હતા. આ ચિંતામાં ને ચિંતામાં તેણે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મૃત્યુ નીપજ્યું હતું. દીકરીના ભવિષ્યની ચિંતામાં એક માતાએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.