સાવરકુંડલામાં એક યુવકને ‘તમે શું કામ અમારા છોકરાની પાછળ પડ્યા છો, શું અમારા છોકરાને ચોર સમજો છો?’ કહી ગાળો આપી ફટકારવામાં આવ્યો હતો. જેને લઈ મેહુલભાઈ ચીમનભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ કિરણભાઈ બાઘાભાઈ બલોલીયા, મનસુખભાઈ, નયનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા તેના પપ્પા ઘરે હાજર હતા તે વખતે તેમના પપ્પાએ કહ્યું, બહાર આપણી ગાડી પાસે કોઇ અજાણ્યો છોકરો ડોકા કાઢી જતો રહ્યો હતો. થોડી વાર બાદ તેઓ તથા સાહેદ કપિલભાઇ મગનભાઇ મકવાણા પાનના ગલ્લે ગયા હતા તે વખતે તેમની ગાડી પાસે અજાણ્યો છોકરો ઉભો હતો અને તેની સાથે આરોપીઓ ઉભા હતા. આરોપીએ તેમને કહ્યું કે ‘તમે શું અમારા છોકરાની પાછળ પડ્યા છો, તમો શું અમારા છોકરાને ચોર સમજો છો?’ જેથી તેમણે કહ્યું કે અમે તો ખાલી છોકરાને પૂછવા ગયા હતા તેમ કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા જાહેરમાં ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી વાળ ખેંચ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.