સાવરકુંડલા શહેરમાં કૌટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કપડાં પહેરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં પતિ અને ત્રણ જેઠ દ્વારા પરિણીતા તેમજ તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ મહુવામાં રહેતા સનાબેન રફીકભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨)એ સાવરકુંડલામાં રહેતા પતિ મુસ્તકીનભાઇ મુસ્તફાભાઇ મોમીન, અફજલભાઇ મુસ્તફાભાઇ મોમીન, મુનાફભાઇ મુસ્તફાભાઇ મોમીન તથા સલીમભાઇ મુસ્તફાભાઇ મોમીન સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, મહિલાને તેના પતિ સાથે ડ્રેસ પહેરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે ઉશ્કેરાયેલા પતિએ પરિણીતાને ઢોર માર મારી ઢીકા-પાટુ અને ઘોલ-થપાટ કરી હતી. આ ઘટનામાં પતિનો સાથ આપતા ત્રણેય જેઠે પણ પરિણીતા સાથે અશોભનીય વર્તન અને બોલાચાલી કરી હતી. પરિણીતાનેઆરોપીઓએ તેને રૂમમાં પૂરી દઈને બંધક બનાવી દીધી હોવાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પરિણીતાના માતા-પિતા અને કાકા તેને છોડાવવા અને મધ્યસ્થી કરવા આવ્યા, ત્યારે ચારેય આરોપીઓએ ઉશ્કેરાઈને તેમના પર પણ હુમલો કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરી હતી. એ એસ આઈ જે એલ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































