દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં સાવરકુંડલા તાલુકાના રહેવાસીઓ તેમના માદરે વતન પધાર્યા છે. હટાણું તથા અન્ય ખરીદી માટે તેઓ સાવકુંડલા આવે છે જેને લઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી હતી. સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો અને જાહેર વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને રાહદારીઓની અવરજવર અને વાહનવ્યવહારને અડચણરૂપ થાય તે રીતે રોડ પર ઊભા રહેતા ફ્રૂટ વિક્રેતાઓ અને નાસ્તાના રેંકડીધારકો સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. શહેરના કેટલાક મુખ્ય ચોક અને બજાર વિસ્તારોમાં, ફ્રૂટની લારીઓ, નાસ્તાની રેંકડીઓ અને અન્ય કામચલાઉ દબાણોના કારણે ટ્રાફિક જામ થવો અને રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બનવું એ રોજિંદી સમસ્યા બની ગઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, નગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય બજારો, બસ સ્ટેશન વિસ્તાર અને વધુ ભીડવાળા માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ જણાતી લારીઓ અને રેંકડીઓને તાત્કાલિક જપ્ત કરવામાં આવી હતી. તેમજ કેટલાક વિક્રેતાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી ટ્રાફિક નિયંત્રણમાં આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં રાહતની લાગણી ફેલાઈ હતી. ઘણા સમયથી નડતરરૂપ બનતા આ દબાણો દૂર થતાં રસ્તાઓ ખુલ્લા થયા હતા.