સાવરકુંડલા શહેરમાં બેફામ ગતિએ વાહન ચલાવતા વાહનચાલકો નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા છે, ત્યારે જૂના બસ સ્ટેશન નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પુરપાટ ઝડપે આવતા એક મોટરસાયકલ ચાલકે ફ્રૂટની લારી ચલાવતા આધેડને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સાહીદભાઇ ઓસમાણભાઇ કાલવા (ઉ.વ.૪૪) એ બાઇક ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ફ્રૂટની લારી ચલાવતા તેના પિતા પોતાની લારીએથી પાણી પીવા માટે જૂના બસ સ્ટેશન પાસે આવેલા પાણીના પરબ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન તરફથી એક મોટરસાયકલ પર આવેલા ચાલકે રસ્તો ઓળંગી (ક્રોસ કરી) રહેલા તેના પિતાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા
છે.









































