સાવરકુંડલા શહેરમાં નાવલી પોલીસ ચોકીથી ભુવા રોડ પુલ સુધી રોડ અને ગટરનું નિર્માણ કાર્ય જીયુડીસી દ્વારા કરવામાં આવતું હતું. જેના કારણે તા. ૨૧/૦૩/૨૦૨૫થી ૧૯/૦૪/૨૦૨૫ સુધી માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. પણ કાર્ય પૂર્ણ થયા બાદ પણ ૭૫ દિવસથી માર્ગ બેરીકેટ કરીને બંધ જ રાખવામાં આવ્યો છે. જેના કારણે એસ.ટી. બસો બાયપાસથી ફરતી થઈ છે, જેને લઈને મુસાફરોને વધારાનો સમય અને ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ બસમાં રૂ.૫ અને એક્સપ્રેસમાં રૂ.૯ ભાડું વધારાયું છે. ડીઝલનો વધારાનો ખર્ચ અને વિલંબને કારણે એસ.ટી. વિભાગને અત્યાર સુધી અંદાજે રૂ.૭.૨૫ લાખનું આર્થિક નુકસાન થયું છે. મુસાફરોની માંગ છે કે નાવલી પોલીસ ચોકીથી ભુવા રોડ પુલ સુધીનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે, જેથી બાયપાસની અગવડ અને ભાડા વધારાનો બોજ ઘટે. એસ.ટી. તંત્ર અને વહીવટી તંત્રની આ બેદરકારીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આ બાબતે તાત્કાલિક પગલાં લઈ, રસ્તો ખુલ્લો કરવા અને ભાડા વધારો રદ કરવા જનતા માંગ કરી છે.