સાવરકુંડલામાં ગેસ કંપનીએ રસ્તાઓ તોડી નાખ્યા બાદ રિપેર કરવામાં આવ્યો ન હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. સાવરકુંડલાના વિવિધ વિસ્તારો, સોસાયટીઓમાં ગુજરાત ગેસ કંપનીએ નગરપાલિકા સાથે શહેરના બધા જ વિસ્તારમાં ગેસ લાઇન ફિટ કરવા માટેનું એગ્રીમેન્ટ કર્યું હતું. તેમ ગેસ કંપની રોડ ખોદે તે રોડ એવી જ રીતે રિપેરીંગ કરી આપવાના કરાર પાલિકા સાથે કરવામાં આવ્યા હતા. છતાં પણ શહેરના અમુક વિસ્તારોમાં ગેસ કંપનીએ કરાર મુજબ રોડનું રિપેરીંગ કર્યું નથી. તેમજ મહુવા રોડ ઉપર પણ ગેસ કંપનીએ ગેસ લાઇનની કામગીરી કરી છે. અહીં વેપારીઓની દુકાનો પાસે મસમોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ ખોદેલા ખાડા પુરાવામાં આવતા નથી. આ બાબતે તંત્રને પણ રજૂઆત કરવા છતાં તંત્ર પણ જાણે ગેસ કંપનીઓની લાજ કાઢતુ હોય તેમ કોઈ કાર્યવાહી કરતુ ન હોવાથી લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.