સાવરકુંડલા ખાતે ક્રેડિટ એક્સિસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભોજલરામ સેવા સમાજની વાડીમાં મહિલાઓ માટે સામાજિક, આર્થિક અને નાણાકીય સાક્ષરતા અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આધુનિક યુગના ઓનલાઈન નાણાકીય જોખમોથી બચવા વિશે માહિતગાર કરવાનો હતો. આ સેમિનારમાં સા.કુંડલાના મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઈ બી. ચૌહાણ અને સરદાર પટેલ યુવા ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ એમ. જીયાણી પણ હાજર રહ્યા હતા. પૂર્વ ઉપપ્રમુખ નાસીર ચૌહાણે ઓનલાઈન છેતરપિંડી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઓનલાઈન ફ્રોડથી બચવા માટે સતર્ક રહેવું અને કોઈ પણ અજાણી લિંક કે મેસેજને ક્લિક ન કરવો એ જરૂરી છે. ક્રેડિટ એક્સિસ ઇન્ડિયા ફાઉન્ડેશન પરિવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો અને તમામ મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.










































