સાવકુંડલામાં હવે પોલીસ પણ સલામત ન હોય તેમ લાગે છે. તપાસ કરવા ગયેલા અનાર્મ એએસઆઈનો કાંઠલો પકડીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આડેધડ ઢીકાપાટુ પણ માર્યા હતા. બનાવ અંગે જયસુખભાઈ લખમણભાઈ મકવાણા (ઉ.વ.૩૫, અનાર્મ એએસઆઈ)એ કિરણભાઈ દેવશીભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેની ભત્રીજી પ્રિયાબેન અરવિંદભાઇ બગડા સાથે ઝઘડો કરી ગાળો બોલતો હતો. જેથી પોલીસ કંટ્રોલ રૂમ અમરેલીમાં ટેલીફોનિક વર્ધી લખાવી હતી. જે સંદર્ભે તેઓ તથા સાહેદો વર્ધીવાળી જગ્યાએ જતા આરોપીએ તેમને તથા સાહેદોને ગાળો આપી પોતાની પોલીસ તરીકે રાજ્ય સેવકની કાયદેસરની ફરજ બજાવવામાં અડચણરૂપ થઇ કંઠલો પકડી હુમલો કર્યાે હતો. તેમજ શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા કરી તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર. ગળચર વધુ તપાસ કરી રહ્યા છે.