હાલ વરસાદની મોસમ ચાલી રહી છે, ત્યારે ઋતુગત રોગચાળો પણ વકર્યો છે. વરસાદની સિઝનમાં ફેલાતા રોગમાં વાયરસજન્ય રોગ વધારે પ્રમાણમાં જાવા મળે છે, જેમાં સાવરકુંડલા શહેરમાં આજકાલ આંખના રોગે દેખા દીધી છે અને સતત વધી રહ્યા છે જેમાં આંખનો અખિયા મિલા કે નામના રોગનો વ્યાપ ખુબ વધી રહ્યો છે જેને સામાન્ય રીતે આંખ આવવી કહેવાય છે. આ રોગના દર્દીઓથી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. આ રોગની ચપેટમાં મુખ્યત્વે બાળકો વધારે આવે છે જેમાં આંખોમાં બળતરા થવી, પાણી આવવું, આંખો લાલચોળ થઈ જવી વગેરે જાવા મળી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલની સાથે મેડિકલ સ્ટોરમાં આંખની દવાઓ અને ટીપાનું વેચાણ વધ્યું છે ત્યારે સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં રોજના ૧૩૦ થી વધારે કેસો આવે છે. અહીંના આંખના તબીબો જણાવે છે કે આંખની ખાસ તકેદારી રાખવી જરૂરી છે અને તબીબી સલાહ વગર કોઈપણ જાતના ટીપા લેવા નહિ.