સાવરકુંડલા શહેરની મધ્યમાંથી એક સમયે તોતીંગ વાહનો પસાર થતાં અનેક નિર્દોષ લોકો અકસ્માતે મોતને ભેટ્યા હતા. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે કરોડો રૂપિયાને ખર્ચે બાયપાસ બનાવવામાં આવ્યો છે અને તે રસ્તો શરૂ થઈ ગયો હતો. શરૂઆતમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શહેરની મધ્યમાંથી આવા તોતીંગ વાહનો ન નીકળે તેની કાળજી લેવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એકાદ માસથી ફરીથી આવા મોટા વાહનો શહેરમાંથી પસાર થઇ રહ્યા છે. મહુવા રોડથી અમરેલી રોડ વચ્ચે પોલીસની કામગીરી અને તેમના પોઇન્ટ ઉપર પોલીસ જોવા નથી મળતી. પોલીસ તંત્રમાં પણ જવાનોની ઘટ હોય તેવું જણાય છે. જેના કારણે ટીઆરબી જવાનો નાવલી પોલીસ ચોકી, નદી બજાર, એસટી બસસ્ટેન્ડ અને રજકાપીઠ જેવા વિસ્તારમાં ફરજ બજાવે છે અને તેઓ પણ ટોળે વળી મોબાઇલ જોવામાં વ્યસ્ત-મસ્ત હોય છે. ત્યારે લોકોમાં ફરીથી ગંભીર અકસ્માત સર્જાવાનો ડર વ્યાપ્યો છે. લોકોની માગણી છે કે આ બાબતે પોલીસ તંત્ર જાગૃત થાય અને નિષ્ઠાપૂર્વક અને ખંતથી કામ કરે.