સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ ખાતેના ગાયનેકોલોજી વિભાગે ઓગસ્ટ ૨૦૨૫માં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ડા. હાર્દિક બોરીસાગર અને ડા. ધર્મેશ રામાણીના નેતૃત્વ હેઠળ, અનુભવી નર્સિંગ સ્ટાફના સહયોગથી, હોસ્પિટલે એક મહિનામાં ૨૦૬ સફળ પ્રસૂતિ કરી છે, જેમાં ૧૪૮ નોર્મલ ડિલિવરી અને ૫૮ સિઝેરિયન ઓપરેશનનો સમાવેશ થાય છે. આ આંકડો હોસ્પિટલના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ પ્રસૂતિઓનો રેકોર્ડ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હોસ્પિટલના અધિક્ષક ડા. ક્રિષ્નાબેન હરિયાણીએ સમગ્ર સ્ટાફને શુભેચ્છા પાઠવી છે. આ સિદ્ધિના સન્માનમાં, તેમણે ગુરૂવારે ડા. હાર્દિક બોરીસાગર અને ડા. ધર્મેશ રામાણીનું વિશેષ સન્માન કર્યું હતું.