સાવરકુંડલા ખાતે આવેલી શિવ લીલા રેસીડેન્સીના રહીશો ગટર અને પાણીની લાઈન ખોદવાના કામ બાદ સર્જાયેલી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. સ્થાનિક તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને યોગ્ય રીતે બુરાવવામાં ન આવતા, પહેલા જ વરસાદમાં આ માટી કિચડમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે વાહનો ફસાઈ રહ્યા છે અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રહીશોમાં તંત્રની બેદરકારી પ્રત્યે તીવ્ર નારાજગી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, તંત્ર દ્વારા ખાડાઓમાં માત્ર માટી નાખીને ભરવામાં આવ્યા હતા, જે વરસાદ આવતા જ કાદવમાં ફેરવાઈ ગયા. આના લીધે રેસીડેન્સીના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેનાથી રોજિંદા અવરજવરમાં ભારે અસુવિધા ઉભી થઈ રહી છે. વાહનચાલકો અને રાહદારીઓ બંને માટે આ કાદવવાળા રસ્તા મુશ્કેલી ભર્યા બન્યા છે. શિવ લીલા રેસીડેન્સીના રહીશોએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ, ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરવાની માગણી કરી છે.