સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી ૧૨૫ હાઇ રિસ્ક તેમજ સગર્ભા માતાઓને પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘી, મગ, ચણા, તુવેરદાળ, ખજૂર અને ગોળનો સમાવેશ થાય છે. હોસ્પિટલના અધિક્ષક ડો.ક્રિષ્નાબેન હરિયાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડો.હાર્દિક બોરીસાગર અને ડો.ધર્મેશ રામાણી (સ્ત્રી રોગ નિષ્ણાંત) દ્વારા તમામ લાભાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ડો.કૃપાલ શિંગાળા દ્વારા સોનોગ્રાફી તપાસ, લેબોરેટરી તપાસ અને દવાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે કે.કે. મહેતા સરકારી હોસ્પિટલ, તાલુકા હેલ્થ કચેરી અને અર્બન હેલ્થ કચેરીના સ્ટાફે સહયોગ આપ્યો હતો. અધિક્ષક ડો.ક્રિષ્નાબેન હરિયાણીએ આ કાર્યક્રમના સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.