નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. પુષ્પાબેન રાણીપાનું આજે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ‘સેતુ ગરબા મહોત્સવ’ કાર્યક્રમ દરમિયાન તેમને આ ગૌરવવંતુ બહુમાન અપાયું હતું. આ સન્માનનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૩૫ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપવા બદલ ડા. પુષ્પાબેનની કામગીરીને બિરદાવવાનો હતો. તેમણે વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ પ્રસંગે ભાવનગર રેન્જ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના અનેક શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, કોલેજના આચાર્ય ડા. એસ.સી. રવિયા અને સમગ્ર સ્ટાફ પરિવારે ડા. પુષ્પાબેનને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. કોલેજે આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી અને ભવિષ્યમાં પણ તેમની સેવાઓ અવિરતપણે મળતી રહેશે તેવી આશા વ્યક્ત કરી.






































