સાવરકુંડલાથી ૩૦ કિલોમીટર છેવાડે આવેલા હિપાવડલી ગામમાં ત્રણ દિવસ પહેલા પડેલ ભારે વરસાદના કારણે સમસ્યા ઊભી થઇ છે. આ ગામમાં સ્થાનિક નાની નદી જેવું વોકળુ છે, આ ગામના સ્મશાન જવાના રસ્તે સ્થાનિક નદી ઉપર જર્જરીત પુલ હતો તે સંપૂર્ણપણે ધરાશાયી થયો છે. તેના કારણે એવી મુશ્કેલી સર્જાઈ છે કે, જો ગામમાં કોઇ અઘટિત ઘટના બને તો મૃતદેહને સ્મશાને લઈ જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી. આ ઉપરાંત આશરે ૫૦૦ વીઘા જેટલી જમીન સામે કાંઠે આવેલી છે ત્યાં જવું પણ ખેડૂતો માટે મુશ્કેલી ભર્યું છે. જેથી લોકોમાં ભારે હાલાકી જાવા મળી રહી છે.