વરસાદની ઋતુમાં સતત પાણી પડવાના કારણે રસ્તાનું ધોવાણ થઇ જાય છે અને તેના કારણે ખાડા પડી જાય છે. આ પ્રકારની સમસ્યાઓ સાવરકુંડલામાં વધારે જોવા મળી રહી છે. સાવરકુંડલામાં હાથસણી રોડ પર સતત ટ્રાફિક રહે છે. અહીંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે. આ પરિસ્થિતિમાં વેરો ભરી રહેલા લોકો જવાબદાર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરીને કટાક્ષમાં પ્રશ્ન પૂછી રહ્યા છે કે, “ખાડામાં રોડ છે..કે પછી.. રોડમાં ખાડા છે?” આ રોડ જિલ્લા પંચાયત હસ્તક હોવાથી કોઇ પદાધિકારીઓ દ્વારા પણ તે અંગે કેમ ધ્યાન આપવામાં આવતું નથી? શહેરની આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે, આ રોડ ઉપર ૨૦ સોસાયટીઓ, ચાર ગામોના રહેવાસીઓ અને રાહદારીઓ આવા રસ્તાના કારણે ત્રાસી ગયા છે. તેમણે માગણી કરી છે કે, માનવતાને ધ્યાને લઇને રોડ ન બનાવો તો.. કાંઇ નહીં..! પણ ખાડા અને ખાળીયા તો બુરાવો..! અગાઉ પણ આ સંદર્ભે શહેરના વોર્ડ નંબર પાંચના સદસ્યો દ્વારા નગરપાલિકા તથા અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના તત્કાલીન ચેરમેનને રોડ પર ફૂટપાથ અને ડિવાઇડર સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તેનો યોગ્ય જવાબ નહીં મળતાં રહીશોમાં પણ નારાજગી જોવા મળી છે. લોકોએ આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે માગણી કરી છે.