સાવરકુંડલાના ભાનુશંકરભાઇ ટી. વ્યાસ (મહેશ ટોકીઝ વાળા)ના પરિવારમાં જ્યારે પણ કોઇ સ્વજનનું અવસાન થાય છે ત્યારે સ્વર્ગસ્થનું ચક્ષુદાન અને ત્યારબાદ શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા યશપાલભાઈ વ્યાસ (પત્રકાર)ના માતુશ્રી સરોજબેન પ્રમોદભાઈ વ્યાસનું અવસાન થતા વ્યાસ પરિવાર દ્વારા સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરીને અંધજનોના જીવનમાં રોશની લાવવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વ.ની ઉત્તરક્રિયાના દિવસે લોકોને કટોકટીના સમયમાં અતિ ઉપયોગી થાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના સભ્યો ઉપરાંત સ્નેહીજનોએ રક્તદાન કરી સદ્‌ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ચક્ષુદાન અને રક્તદાન કેમ્પ દ્વારા વ્યાસ પરિવારે પૂર્વેથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.