વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સંકલ્પથી સિદ્ધિ’ના સફળ ૧૧ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૬ ખાતે એક પ્રેરણાદાયી ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના અસંખ્ય કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર ઉમટી પડ્‌યા હતા, જેનાથી કાર્યકરોમાં નવું જોમ અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.બેઠક દરમિયાન, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકારના દ્રઢ સંકલ્પ, જનકલ્યાણકારી યોજનાઓ અને ખાસ કરીને સાવરકુંડલા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે દેશના દરેક વર્ગના ઉત્થાન માટે કમર કસી છે અને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.