સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે ૧૦૧ વર્ષની વયના લાખાણી પરિવારના મોભી દિવાળીબા બચુભાઈ લાખાણીની હયાતીમાં જ ‘જીવતા જગતિયા’ની અનોખી વિધિ કરીને સમાજને એક અનુકરણીય સંદેશ આપવામાં આવ્યો છે. મૃત્યુ પછી કરવામાં આવતી પિંડદાન સહિતની ધાર્મિક વિધિઓ જીવંત વ્યક્તિની હાજરીમાં જ પૂર્ણ કરીને જીવનના આખરી તબક્કામાં પણ સમાજસેવાનો મહિમા સ્થાપિત કરવામાં આવ્યો હતો.આ અનોખા મહોત્સવને માત્ર ધાર્મિક વિધિઓ સુધી સીમિત ન રાખતા, તેને સમાજસેવાનું માધ્યમ બનાવવામાં આવ્યો. લાખાણી પરિવારના ત્રણ પુત્રો, પાંચ પુત્રીઓ અને વિશાળ સગા-સંબંધીઓ સહિત કુલ ૧૦૧ ભાઈ-બહેનોએ રક્તદાન કરીને દિવાળીબાને ‘જીવતી શ્રદ્ધાંજલિ’ ભેટ કરી હતી. આ ઉપરાંત, અનેક સગાઓએ આગામી ભવિષ્યમાં ચક્ષુદાન આપવાનો સંકલ્પ લઈને જીવનદાનની પ્રેરણા આપી હતી.લાખાણી પરિવારના સભ્યોએ જણાવ્યું કે આ મહોત્સવ દિવાળીબાના લાંબા જીવનની સિદ્ધિની ઉજવણીની સાથે યુવા પેઢીને સમાજસેવાની પ્રેરણા આપવા માટે યોજાયો હતો. રામગઢ ગામના ઇતિહાસમાં આ પ્રથમ ‘જીવતું જગતિયું’ યોજાતા સભ્ય સમાજને એક નવી દિશા મળી છે, જે માનવસેવાને પ્રાધાન્ય આપે છે.







































