સાવરકુંડલા શહેરના રઘુવંશીપરા ખોડિયાર નગર વિસ્તારમાં સમસ્ત રઘુવંશી સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભવ્ય અને દિવ્ય શુભારંભ થયો છે. ભક્તિપૂર્ણ વાતાવરણમાં શ્રી રામજી મંદિરથી પોથીયાત્રા નીકળી, જે કથા સ્થળે પહોંચી હતી. કથાના મુખ્ય યજમાન વિઠ્ઠલભાઈ નાગજીભાઈ ચોંડીગળા અને તેમના પરિવારે ભાગવત ભગવાનની પોથીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ વ્યાસપીઠ પર બિરાજેલા પ્રસિદ્ધ વક્તા જ્ઞાનેશ્વરીદાસજી (બહેનશ્રી)એ પોતાના મધુર કંઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કર્યો હતો. આ સાત દિવસ ચાલનારા આધ્યાત્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાન, ભક્તિ તથા આનંદની અનુભૂતિ કરી હતી.










































