અમરેલી જિલ્લામાં સિંહો સહિતના વન્યપ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થતાં તેઓ હવે જંગલ વિસ્તાર છોડીને માનવ વસવાટ અને ખેતીવાડી વિસ્તારો તરફ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામ નજીક આવેલી એક વાડીમાં આશરે છ માસના સિંહબાળનું ફેન્સિંગના તારમાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.માહિતી મુજબ, સિંહબાળ વાડીની આસપાસ લગાવવામાં આવેલા ફેન્સિંગના તારમાં ગંભીર રીતે ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા રેન્જના વન અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સિંહબાળને બચાવવા માટે ફેન્સિંગનો તાર દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તાર ગળાના ભાગે સખત રીતે વીંટળાઈ જતાં તેનું શ્વાસ રૂંધાઈ ગયું હતું. પરિણામે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વન વિભાગે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.









































