સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમે વધુ એક સફળતા મેળવી છે. આશ્રમમાં આશરો પામેલાં ૧૨૭માં મનોરોગી બહેન કોમલબેન મુકેશભાઈ કુમારખાણીયા સંપૂર્ણપણે સ્વસ્થ થતાં આજે તેમના પરિવારજનો તેમને તેડી ગયા હતા.કોમલબેનને તેમની દોઢ વર્ષની નાની બાળકી કાજલ સાથે ગત તારીખ ૨૫/૧૧/૨૦૨૩ના રોજ ડુંગર પોલીસ દ્વારા માનવ મંદિરમાં મૂકવામાં આવ્યાં હતાં. માનવ મંદિરના સેવકો દ્વારા તેમની યોગ્ય સારવાર અને સંભાળ લેવામાં આવતાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયાં હતાં. આ દરમિયાન તેમના પરિવારનું સરનામું બરવાળાના રોજીદ ગામે હોવાનું જાણવા મળ્યું હતું. રૂરલ પોલીસના એ.એસ.આઇ શ્યામભાઈ બગડા તેમજ કોન્સ્ટેબલ વનરાજભાઈ વાળાની ઉપસ્થિતિમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુના આશીર્વાદ સાથે કોમલબેન તેમના પિતા અને ભાઈને મળ્યાં હતાં.