સાવરકુંડલાની શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં તા.૧૧ના રોજ રમતોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાની-નાની અને પ્રાથમિક શાળામાં બાળકોને રમાડી શકાય તેવી રમતો અને તેના વિષયક માહિતી આપીને રમત રમાડવામાં આવી હતી. આ રમતો તાલીમાર્થી વિદ્યાર્થિની બહેનોને તેના શિક્ષણ જીવનમાં ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને અત્યારે જયારે પ્રાથમિક શાળામાં દર શનિવારના દિવસે બેગલેસ-ડે ઉજવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતો રમાડવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગમ્મત અને ખુબ મજા પણ આવે. બાળકોમાં રમત પ્રત્યે રુચિ વધે અને મોબાઈલના દુષણથી દૂર રહે તેવા અભિગમોથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યાપન મંદિરના અધ્યાપકોએ પણ આ રમતોમાં ભાગ લીધો હતો એમ રવિભાઈ જોશીની એક યાદીમાં જણાવાયું હતું.





































