સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામે આશરે બે મહિના પહેલા થયેલ કોપરના કેબલ વાયરની ચોરીના બનાવનું મનદુઃખ રાખીને બે શખ્સોએ ફરિયાદી ખેડૂત પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પરેશભાઇ બટુકભાઇ સેદડીયા (ઉ.વ.૩૨)એ રોહિતભાઇ દીલાભાઇ વાઘેલા રહે. બોરાળા તથા ચકુબેનના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બોરાળા ગામે તેમની વાડીમાંથી આશરે બે મહિના પહેલા કોપરના કેબલ વાયરની ચોરી થઈ હતી. આ ચોરીના સંદર્ભમાં પોલીસે રોહિતભાઈ દીલાભાઈ વાઘેલા (રહે. બોરાળા, શેત્રુંજીના કાંઠે)ની પૂછપરછ કરી હતી. આરોપી રોહિતભાઈને એવી શંકા હતી કે તેમણે જ પોલીસને તેનું નામ ચોરીમાં આપ્યું છે, જે બાબતે રોહિતભાઈએ ફરિયાદી સાથે મનદુઃખ રાખ્યું હતું. બદલો લેવાના ઈરાદે, આરોપી રોહિતભાઈએ તેમને ફોન કરીને બોલાવ્યા હતા અને અન્ય આરોપી સાથે મળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ ફરિયાદીને લાકડીઓ વડે શરીર પર મુંઢમાર માર્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો, જેના કારણે આશરે રૂ. ૫,૦૦૦ જેટલું નુકસાન થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.