સાવરકુંડલાના બાઢડા ગામે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ડા. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ઉજવાતા સ્મૃતિ પખવાડિયાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે જોડાયા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજસેવાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ભારતીય જનતા યુવા મોરચાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રક્તદાન માટે યુવાનોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને માનવસેવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.








































