સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિને પગલે, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સોમવારે હીપાવડલી, મેકડા, ફિફાદ, આકોલડા, ઘોબા અને પીપરડી ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારે વરસાદને કારણે થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવાનો, અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા અને રાહત કામગીરી ઝડપથી થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવાનો હતો. ધારાસભ્ય કસવાલાએ ગામોમાં ફરીને પાણી ભરાવાના કારણે થયેલા નુકસાન, ખેતીવાડીને થયેલી અસર અને સ્થાનિક રહીશોની સ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરીને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.





































