અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર રાહુલભાઈ શામળભાઈ વાઘમશીની ભારતની રાષ્ટ્રીય બહેરા-મૂંગા ક્રિકેટ ટીમમાં વરણી થતાં સમગ્ર ગામ અને આખા જિલ્લામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે.રાહુલભાઈએ પોતાની અથાગ મહેનત, લગન અને અસાધારણ પ્રતિભાના દમ પર ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. આવનારા ડિસેમ્બર-૨૦૨૫માં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઈ) ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવાના છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ચીખલી ગામ, વાઘમશી પરિવાર, સાવરકુંડલા તાલુકો તેમજ સમગ્ર અમરેલી જિલ્લો ગૌરવ અનુભવે છે. રાહુલભાઈએ પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા ન માત્ર પોતાના ગામ-જ્ઞાતિનું, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.








































