અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા ભારે વરસાદના સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતાઓ અને વન વિભાગના અન્યાયી નિયમો વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને તેમની તાત્કાલિક માંગણીઓ રજૂ કરી છે.

વન વિભાગના નિયમો સામે વિરોધ
ખેડૂતોએ આવેદનપત્રમાં વન વિભાગના પરિપત્ર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ પરિપત્ર મુજબ, જો કોઈ ખેડૂતના ખેતરમાં વન્ય પ્રાણી (જેમ કે સિંહ કે દીપડા) મૃત્યુ પામે તો ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને તેમની પાસેથી દંડ વસૂલવાના નિયમો છે. ખેડૂતોએ આ નિયમનો સખત વિરોધ કરતા માંગ કરી છે કે વન વિભાગ તેમના વન્ય પ્રાણીઓને તેમના જંગલમાં પાછા લઈ જાય અને ખેડૂતોને આ પ્રકારની હેરાનગતિમાંથી મુક્તિ આપે.તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે, “સરકારની આ વિસંગતતા ખેડૂતોના અધિકારોનું હનન છે. અમે તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે સંઘર્ષ કરીશું.” ખેડૂતોએ જો તેમની માંગો પૂરી નહીં થાય તો વધુ તીવ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

રાહત પેકેજમાં વિસંગતતા અને ખેડૂતોમાં રોષ
ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા કમોસમી વરસાદને કારણે કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, સરકારે જાહેર કરેલી સહાયમાં સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા વિસ્તારના ૧૧૬ ગામોમાંથી માત્ર ૫૦ ગામોને જ સહાય મળવાપાત્ર ગણવામાં આવ્યા છે, જ્યારે ૬૬ ગામોને બાકાત રખાયા છે. આ અન્યાયને કારણે ખેડૂતોમાં તીવ્ર અસંતોષ છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે બાકી રહેલા તમામ ૬૬ ગામોના ખેડૂતોને પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને સર્વેમાં થયેલી ભૂલો સુધારીને ન્યાયી વિતરણ કરવામાં આવે. વિરોધ દરમિયાન ખેડૂતોએ મામલતદાર કચેરીએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા