સાવરકુંડલા શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવતી કંડોળિયા શેરીમાં છેલ્લા ઘણાં સમયથી ગેસ અને પાણીની પાઈપલાઈન અંગે જાહેર રસ્તાનું ખોદકામ કરવામાં આવેલ. ગુજરાત ગેસ દ્વારા ખાડા જેવા તેવા બુરવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા આ શેરીમાંથી બાજુની શેરીમાં પાઈપલાઈન લઈ જવા સી.સી. રોડનું બુલડોઝર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા થયેલ ખોદકામનું યોગ્ય સમારકામ નહીં થતાં સ્થાનિક લોકોને ચાલવામાં કે વાહન લઈને ઘરેથી બહાર જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ પાકો સિમેન્ટ રોડ તોડીને ખોદકામ કરવાને કારણે યોગ્ય સમારકામ નહીં થતાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાયેલ જોવા મળે છે. વળી રસ્તામાં કાંકરા-વેકરો અને માટી હોય બાળકો, અશકતો અને વૃધ્ધોને ચાલવુ મુશ્કેલ બની ગયું છે. તેથી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.