સાવરકુંડલાના આંબરડી નજીક આવેલ બગોયા ગામે ધોળા દિવસે દીપડો ત્રાટકતા લોકોમાં ફફડાટ મચ્યો હતો. ગામમાં પોતાના ઘર બહાર ગાડું જોડી રહેલા ૨૫ વર્ષીય સલીમ ઝાંખરા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડો યુવકના ખભા પર ટિંગાઈ જતા સલીમ ઘાયલ બન્યો હતો. તેની ચીસો સાંભળીને આસપાસના લોકોએ હાકલા પાડતાં દીપડો નદીમાં ભાગી ગયો હતો. સલીમને ખભા અને શરીરના અન્ય ભાગોમાં ઇજા થતા તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં બે દિવસ પહેલા આંબરડી ગામે દીપડો મકાનમાં ઘૂસી આવ્યો હતો, ત્યારે શ્વાનની સતર્કતાથી પરિવારના સભ્યો બચી ગયા હતા. સતત બે દિવસમાં દીપડાના હુમલાના બનાવો બનતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. સિંહોના સામ્રાજ્ય વચ્ચે હવે દીપડાના આંટાફેરા વધી રહ્યાં હોય, લોકો દિવસે પણ સુરક્ષાની ચિંતામાં મુકાયા છે.