સાવરકુંડલાથી રાજુલા સુધીના ૪૦ કિ.મી.ના રોડમાં ર૮ કિ.મી.નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય, વાહન ચાલકોને આ રસ્તો પસાર કરવામાં અડધી કલાકના બદલે દોઢ કલાક જેવો સમય જાય છે. અનેક વખત આ ર૮ કિ.મી.ના વિસ્તારમાં આવતા ર૦ ઉપરાંત ગામોના લોકોએ સ્થાનિક સત્તાવાળાઓને રજૂઆતો કરી છે પરંતુ ત્રણ-ત્રણ વર્ષ વીતિ જવા છતાં હજુ સુધી હજારો લોકોની પરેશાનીનો અંત આવ્યો નથી. વાહન ચાલકો ખાડાઓથી બચવા માટે રોંગ સાઇડમાં જાય છે અને અકસ્માતની ઘટનાઓ બનવા પામે છે. આ રસ્તો નેશનલ હાઇ-વે હોવાથી પીપાવાવથી દરરોજ હેવી ડ્યુટી કન્ટેનરો પસાર થતા હોય છે, એસટી અને ખાનગી બસો પસાર થતી હોય છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ રોડને ધ્યાન પર લઇ રિપેરીંગ થાય એ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.