વડિયાના સારીંગપુર ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વૃધ્ધાને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટના વિગતે જાઈએ તો વડિયા તાલુકાના સારીંગપુર ગામમાં પોતાના એક સંબંધીના કારજમાં આવેલા દાદીએ તેમના પૌત્રને રમાડવા માંગતા સંબંધીઓ દ્વારા તેને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. જેમાં ઈજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતા.
આ અંગે રાંઢીયા ગામે રહેતા નંદુબેન ધીરૂભાઈ માંડાણી (ઉ.વ.૬૫)એ વડેરા ગામે રહેતા જેન્તીભાઈ નાગજીભાઈ ભુવા તથા સાવરકુંડલામાં રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના સંબંધીના ઘરે કારજમાં ગયા હતા. આ દરમિયાન તેમના પુત્રવધુ પણ ત્યાં આવ્યા હતા. જેથી તેમણે પૌત્રને રમાડવા માંગતા જેન્તીભાઈ ભુવાને સારુ નહોતું લાગ્યું અને શરીરે આડેધડ ઢીકાપાટુ મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. પ્રકાશભાઈ તેમના પુત્રને મારવા દોડ્યા હતા. આ મારામારીમાં તેઓ પડી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ પી.ડી.કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.