મ્યુલ એકાઉન્ટનો રેલો અમરેલી સુધી પહોંચ્યો

અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડને લઈ સતત ત્રીજા દિવસે તપાસ શરૂ રહી હતી. સુરતમાં રહેતા ચાર યુવાનોએ આર્થિક લાભ મેળવવા માટે ઓનલાઈન ફ્રોડ/ઠગાઈ દ્વારા મેળવેલા લાખો રૂપિયાની હેરાફેરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓએ જાણી જોઈને ઠગાઈના નાણાંનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસના મુખ્ય આરોપી નિખીલભાઈ કિશોરભાઈ ગેવરીયા (રહે. કારગીલ ચોક, સુરત, મૂળ રહે. જુના વાઘાણીયા, બગસરા, અમરેલી) એ પોતાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) મોટી કુંકાવાવ શાખાનું બેંક એકાઉન્ટ અન્ય આરોપીઓ સુજલભાઈ કુલદિપભાઈ ભુવા (રહે. સુરત, મૂળ રહે. ભેંસાણ, જૂનાગઢ), વિજ્ઞેશભાઈ ચંદુભાઈ ભુવા (રહે. સુરત, મૂળ રહે. ભેંસાણ, જૂનાગઢ) તથા ઉત્સવભાઈ ચંદુભાઈ ભેંસાણીયા (રહે. સુરત)ને વાપરવા આપ્યું હતું. આ આરોપીઓએ નિખિલભાઈના બેંક એકાઉન્ટમાં જુદી જુદી તારીખે ઓનલાઈન યુપીઆઈ અને IMPS મારફતે કુલ રૂ. ૫,૧૭,૩૫૨/- જમા કરાવ્યા હતા. આ નાણાં ઓનલાઈન ફ્રોડ/ઠગાઈ કરીને મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આરોપી નિખિલભાઈએ પોતાના બેંક ચેક મારફતે જુદી જુદી તારીખે રૂ. ૪,૬૪,૫૦૦/- ઉપાડી લીધા હતા અને તે રકમ આરોપી વિજ્ઞેશભાઈ તથા ઉત્સવભાઈને રોકડમાં આપી દીધી હતી. વધુમાં, રૂ. ૫૦,૦૦૦/- આરોપી વિજ્ઞેશભાઈને UPI મારફતે ટ્રાન્સફર કર્યા હતા. નિખિલભાઈએ પોતાના એકાઉન્ટમાં રૂ. ૨,૮૫૨ ની રકમ રાખી હતી. આમ, તમામ આરોપીઓએ ઓનલાઈન ઠગાઈના નાણાં પોતાના આર્થિક લાભ માટે વારંવાર મેળવીને તેની આપ-લે કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજુલાના દેવકા ગામે એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા લાખો રૂપિયાની હેરાફેરી કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રોહનભાઈ અશોકભાઈ ગોસ્વામી નામના આરોપીએ સાહેદ અને તેમના પતિને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ જણાવ્યું હતું કે, તેનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને તેનું પેમેન્ટ મેળવવા માટે તેને બેંક એકાઉન્ટની જરૂર છે. આ બહાને તેણે ફરિયાદીને સાથે રાખી રાજુલા ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં એક બેંક એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું. આરોપી રોહન ગોસ્વામીએ આ એકાઉન્ટની પાસબુક પોતાની પાસે રાખી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરનારા અરજદારોના ખાતા ધારકોના સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂ. ૮,૦૮,૦૦૦ની રકમ બદઈરાદાપૂર્વક ફરિયાદીના (સાહેદના) બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. આરોપી સારી રીતે જાણતો હોવા છતાં કે આ નાણાં સાયબર ફ્રોડના છે, તેણે આ રકમ પોતાના આર્થિક ફાયદા માટે ફરિયાદીને સાથે રાખીને બેંકમાંથી ઉપાડી લીધી હતી. આ રીતે આરોપીએ સાયબર ફ્રોડના પૈસા મેળવીને નાણાકીય ગેરરીતિ આચરી હતી. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંને પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને આંગડિયા મારફતે આગળ મોકલી કમિશન મેળવવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સુરત અને રાજુલાના બે ઈસમોની સંડોવણી જણાઈ હતી. આ કેસના આરોપીઓ નીખીલ રમેશભાઈ પાનસેરીયા (રહે. સુરત) તથા નાગજીભાઈ હરજીભાઈ બાબરીયા (રહે. વડલી) છે. તપાસ મુજબ, આરોપી નાગજીભાઈ હરજીભાઈ બાબરીયાએ પોતાના બે બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપી નાગજીભાઈ સારી રીતે જાણતા હોવા છતાં કે તેમના ખાતામાં જમા થઈ રહેલા નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા છે, તેમણે પોતાના આર્થિક ફાયદા માટે આ ખાતાઓમાં ફ્રોડના રૂપિયા જમા કરાવ્યા હતા. નાગજીભાઈએ પોતે ઓપરેટ કરતા આ બંને ખાતાઓમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, તે રકમ ‘ચોરીની’ હોવાનું જાણવા છતાં બેંક ખાતામાંથી ઉપાડી લીધી હતી. ઉપાડેલી આ રકમ આરોપી નીખીલ રમેશભાઈ પાનસેરીયાને આંગડિયા મારફતે મોકલી આપી હતી, જેના બદલે તેમને કમિશન મળતું હતું. આ રીતે બંને આરોપીઓએ એકબીજાના સહયોગથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી કરી હતી અને ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત અમરેલીમાં એક બેંક ખાતાનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા લાખો રૂપિયાની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ જાણી જોઈને છેતરપિંડીના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ કોટક મહિન્દ્રા બેંકના જલિયાણ એન્ટરપ્રાઇઝ નામના ખાતા નંબરનો ઉપયોગ કર્યો હતો. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તારીખ ૨૨/૦૪/૨૦૨૫ થી ૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન આ એકાઉન્ટમાં વારંવાર કુલ રૂ. ૨,૦૧,૩૫૦/- (બે લાખ એક હજાર ત્રણસો પચાસ) જમા કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને જલિયાણ એન્ટરપ્રાઇઝના નામનો ઉપયોગ કરનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સાયબર ફ્રોડના નાણાંને છુપાવવા માટે ‘મની મ્યુલ’ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાનું સૂચવે છે.