અમદાવાદમાં  આજે દિવાળીના પાવન પર્વે ધાર્મિક રંગત સાથે વેપારીઓએ નવા વર્ષની શરૂઆત કરી. શહેરના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય સામૂહિક ચોપડા પૂજન યોજાયું. આશરે ૨,૫૦૦ વેપારીઓએ પરંપરાગત રીતે ચોપડા તેમજ આધુનિક યુગના લેપટોપનું પૂજન કર્યું હતું. આ વિધિ વિધાન મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂર્ણ થઈ, જે વેપાર ક્ષેત્રમાં નવી શરૂઆતનું સંકેત છે.સવારે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન શરૂ થયું હતું. વેપારીઓએ પોતાના ધંધાના હિસાબના ચોપડા, ફાઇલ્સ અને લેપટોપ લઈને ઉપસ્થિત રહી, ભગવાન સ્વામિનારાયણ અને ગણપતિબાપાના આશીર્વાદથી નવા વર્ષની સફળ શરૂઆત કરી. મંદિરના પરિસરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ ઊભું થયું હતું. સુગંધિત ધૂપ, ફૂલ અને દીપકની રોશનીએ સમગ્ર પરિસરને દિવાળીનું પાવન રૂપ આપ્યું હતું.સ્વામિનારાયણ સંસ્થાના સાધુઓએ ઉપસ્થિત વેપારીઓને સંદેશ આપ્યો કે, “ધર્મ અને ધંધા વચ્ચે સંતુલન જાળવીને સત્ય અને પ્રામાણિકતાથી કાર્ય કરવું એ જ સાચી આરાધના છે.” તેમણે ઉમેર્યું કે ચોપડા પૂજન માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ અધ્યાત્મિક ઊર્જા અને નવા સંકલ્પનો આરંભ છે.શહેરના અનેક ઉદ્યોગપતિઓ, વેપાર સંઘોના પ્રતિનિધિઓ તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જાડાયા હતા. પૂજન બાદ પ્રસાદ વિતરણ અને દીપોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું. દિવાળીના આ શુભ દિવસે અમદાવાદમાં ભક્તિ, આનંદ અને નવી શરૂઆતનો માહોલ છવાયો હતો.