સુરત શહેરના સામાજિક અગ્રણી અને ‘સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન’ના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરીને સમાજને નવી દિશા ચીંધી છે. તેમણે જીવનમાં ૧૦૯મી વખત રક્તદાન કરીને અનોખી ઉજવણી કરી હતી.આ ઉપરાંત, તેમણે પર્યાવરણ અને જીવદયા પ્રત્યે અનોખો પ્રેમ દર્શાવતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા પ્રાણી સંગ્રહાલયમાંથી એક વર્ષ માટે ‘લવ બર્ડ’ પક્ષીની જોડી દત્તક લીધી છે. આ બદલ ઝૂના તબીબ ડો. રાજેશ પટેલે સન્માનપત્ર આપી તેમનું બહુમાન કર્યું હતું. સાથે જ, પર્યાવરણ જતનના ભાગરૂપે સિતારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બીલીપત્રના ૧૦૦૦ રોપા તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે, જેનું વિનામૂલ્યે વિતરણ થશે. આ પ્રસંગે રામભાઈ, દિલીપ વરસાણી અને ડો. મધુકાંત ગોંડલિયા સહિતના અનેક મહાનુભાવોએ હાજર રહીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.







































