સાબરકાંઠામાં હેડક્લાર્ક પેપરલીક મામલે વધુ ૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સંજય પટેલ ધાનેરાથી ધરપકડ કરાઇ છે. જ્યારે પ્રાંતિજ અને ઇડર તાલુકાના ૫ શખ્સોની ધરપકડ કરાઈ છે જેમાં અક્ષય પટેલ, વિપુલ પટેલ,પ્રકાશ પટેલ, ધીમેન પટેલનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં પેપરકાંડ મામલે પોલીસે ૨૭ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે પકડાયેલા ૫ આરોપીઓને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરાશે. અહીં ઉલ્લેખનિય કે અગાઉ  પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા ૧૨ આરોપીઓના રિમાન્ડ પુરા થતા પ્રાંતીજ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે તેમજ આરોપીઓના વધુ રિમાન્ડની માંગ પણ કરાઈ શકે છે.

આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બી.કોમ સેમેસ્ટર-૩નું પેપર થવાનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરતા બાબરા કોલેજના પ્રિન્સિપાલ સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માંગ્યા હતા. પોલીસ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ સહિત પરીક્ષા નિયામકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગી અન્ય કોઈ પરીક્ષાનું પેપર લીક થયું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.