સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગણતરીના દિવસો બાકી છે. વહીવટી તંત્ર દ્વારા તેનું સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણી માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપવામાં આવી હતી. સાથે જ આદર્શ આચારસંહિતાના પાલન અંગે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ તૈયારીઓની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં કુલ ૮૩૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. જેમાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૦૭ ઉમેદવારો તાલુકા પંચાયતની ૧૭૦ બેઠકો માટે ૫૦૦ ઉમેદવારો નગરપાલિકાઓ માટે ૨૩૧ ઉમેદવારો ૨૬ એપ્રિલના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે.
વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૭,૪૩૮ પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ૨,૭૮૩ ઇવીએમની ફાળવણી કરવામાં આવી છે.
આદર્શ આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત ૧,૨૦૦ પોલીસ જવાનો અને ૧,૮૦૦ જવાનોને ફરજે લગાડવામાં આવ્યા છે. જિલ્લામાં ૧૦ ચેકપોસ્ટો પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ઇવીએમ દ્વારા મતદાન થશે. આ માટે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ૧,૨૧૦ મતદાન મથકો અને નગરપાલિકાઓમાં ૧૩૭ મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.
મતદારોની સંખ્યાઃ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંઃ ૯,૧૮,૧૯૪ જયારે નગરપાલિકામાંઃ ૧,૧૭,૯૭૬ છે
વિજયનગર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારનું આકસ્મિક અવસાન થતાં તે બેઠક માટેનું મતદાન રદ કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ફરીથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચૂંટણી યોજવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તમામ તૈયારીઓ સરળ અને સફળ રીતે પાર પડે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તૈયારીઓ કેટલી અસરકારક સાબિત થાય છે તે આવનારા દિવસોમાં જાવા મળશે.









































