સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. જેમાં પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી હતી. પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ ૩ બાળકો સારવાર હેઠળ હતા. જેમાં આજે ૨ બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.
સમગ્ર ચકચારી ઘટનાની વિગત એવી છે કે, વડાલીમાં ચોકલી વિસ્તારમાં રહેતા અને સગર વિનુભાઇ મોહનભાઇ તથા તેમના પત્ની અને ત્રણ બાળકો સાથે વડાલીમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શનિવાર વહેલી સવારે સગર વિનુભાઇ મોહનભાઇએ તેમના પત્ની, ત્રણ બાળકો સાથે રહી ઝેરી પ્રવાહી ગટગટાવતા તમામને ઉલટીઓ થતાં આડોશપાડોશમાંથી લોકો દોડી આવ્યા હતા અને પરિવારે એક સાથે દવા પી ગયાની આશંકાને લઇ ૧૦૮માં જાણ કરી વિનુભાઇ મોહનભાઇ સગર (૪૧) તેમના પત્ની કોકીલાબેન વિનુભાઇ સગર (૩૭) ત્રણ બાળકો નિલેશભાઇ સગર (૧૪), નરેન્દ્રભાઇ સગર(૧૪) અને ક્રિષ્નાબેન સગર (૧૭)ને સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધારે ગંભીર હોવાથી ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.
તમામની હાલત સ્થિર થતી ન હોવાથી તબીબે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સાબરકાંઠા પોલીસના જણાવ્યા મુજબ કોકીલાબેન વિનુભાઇ સગરનુંસારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જ્યારે ત્રણ બાળકો સારવાર હેઠળ છે. સગર પરિવારે એક સાથે ઝેરી પ્રવાહી કેમ ગટગટાવ્યું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ જાણવા મળી રહ્યા મુજબ આર્થિક સંકડામણને લઇ પરિવાર નંદવાયો હોવાનું હાલમાં ચર્ચાઇ રહ્યું છે.સમગ્ર મામલે વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ વડાલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વડાલીના ચોકલી વિસ્તારમાં રહેતા સગર પરિવારના પાંચ સભ્યોએ ઝેર પ્રવાહી ગટગટાવી લેતાં તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
તમને જણાવી દઈએ કે દેશમાં આત્મહત્યાના આંકડા ચિંતાજનક છે અને તાજેતરના વર્ષોમાં તેમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરોના ડેટા અનુસાર, ૨૦૨૨ માં ભારતમાં કુલ ૧,૭૧,૦૦૦ આત્મહત્યા નોંધાઈ હતી. આ સંખ્યા પાછલા વર્ષો કરતા લગભગ ૨.૬% વધુ હતી. સરેરાશ, દરરોજ લગભગ ૪૬૮ આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા, જેનો અર્થ એ થાય કે દર કલાકે લગભગ ૧૯-૨૦ આત્મહત્યાના કિસ્સાઓ બનતા હતા. વર્ષ ૨૦૨૧ માં ૧,૬૪,૦૩૩ આત્મહત્યા નોંધાઈ હતી, જેમાં પુરુષોનો હિસ્સો ૭૦% થી વધુ હતો.