કપાસઃ • કપાસનું આગોતરું વાવેતર ન કરવું.
• બિયારણ સસ્તું અને લેભાગુ પાસેથી લેવું નહિ. વિશ્વાસપાત્ર વેપારી પાસેથી બિયારણ લેવું.
• તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવું.
• કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. તેમજ પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.
મગફળી: • ચોમાસાનો વાવણી લાયક વરસાદ થાય તે પહેલા જમીનમાં પિયત આપી ઓરવાણ કરી વરાપ થયે વાવેતર કરવામાં આવે છે તેને આગોતરૂ વાવેતર કહેવામાં આવે છે. સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવેલ છે કે મે મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં વાવેતર થઈ જાય તે રીતે ઓરવણું કરી વાવેતર કરવાથી વધારે ઉત્પાદન તથા આથિક ફાયદો થાય છે.
• મગફળી ઉપાડ્‌યા પછી તે જ બીજનું તુરત વાવેતર કરવું નહિ તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
જમીનમાં ભેજનું પ્રમાણ અને શીદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકનાં ઝાડીયા-મૂળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો.
• વધારે વહેલું વાવેતર કરવાથી સપ્ટેબર માસમાં જો વધુ વરસાદ થાય તો મગફળી તૂટી જવાથી આર્થિક રીતે નુકસાની થાય છે.
• જીજેજી -૩૨ નું વાવેતર શક્ય બને તો ૧૫ મે સુધીમાં ઓરવણું કરી વાવેતર કરવાથી ઉત્પાદન વધુ મળે છે.
તલ:
• હવામાનની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરવી.
• તલમાં કાપણી એ ખુબ જ અગત્યની કામગીરી છે કારણ કે સમય કરતા વહેલા તલ વાઢી લેવામાં આવે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે અને જો વાઢવામાં મોડું થાય તો તલ ખરી પડવાથી ઉત્પાદનમાં નુકસાન જાય છે. તલનો પાક આશરે ૯૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. છોડના પાન પીળા પડી ખરી પડવા માંડે અને બૈઢા પીળા પડી જાય ત્યારે તલને વાઢી પુળા વાળી તેના ઉભડા કરવા. ઉભડા કરવાની જગ્યાએ જમીન ઉપર મીથાઈલ પેરાથીઓન ર% ભૂકી છાંટીને ઉભડા કરવા તથા ઉભડાની ફરતે પણ આ દવાની ભૂકી છાંટવી. આમ કરવાથી તલના દાણામાંથી તેલ ચુસનારા કાળા ભૂરા ચુસિયા નામની જીવાતથી થતુ નુકસાન અટકાવી શકાય. આ દવાનો તલના ઉભડા ઉપર સીધો છંટકાવ કરવો નહી કારણ કે આમ કરવાથી આ દવાના અવશેષ દાણામાં આવશે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉભડા બરાબર સુકાઈ જાય ત્યારે તેમાંથી તલ થોડા થોડા સમયના અંતરે બે થી ત્રણ વખત ખંખેરી લેવા. તલને સાફ કરી, ગ્રેડીંગ કરી વ્યવસ્થિત રીતે સુકવી ઉંદર કે જીવાતથી નુકસાન ન થાય તેવી જગ્યાએ સંગ્રહ કરવો.
• શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકા કદના તથા પાંચમાં મહિને ભારે કદના પાળા ચઢાવવા. ખેતરમાં શેરડીની પતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી.
શાકભાજીઃ
• રીંગણના પાકમાં ગંઠવા
કૃમિનું અસરકારક નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લીલાસીનસ હેકટર દીઠ ૨૫ કિલો સ્પોરડસ્ટ (૧૦૯ કનીડીયા/ગ્રામ) કેરીયર સાથે ફેરરોપણી સમયે + મરઘાનું ખાતર ૧૦ ટન હેકટર ફેરરોપણીના એક અઠવાડિયા પહેલાં અથવા રાઈનો ખોળ હેકટર દીઠ ૨ ટન પ્રમાણે ફેરરોપણીના એક અઠવાડિયા પહેલાં અથવા પેસીલોમાયસીસ લીલાસીનસ હેકટર દીઠ ૨૫ કિલો ફેરરોપણી સમયે + લીમડાનો ખોળ હેકટર દીઠ ૨ ટન પ્રમાણે ફેરરોપણીના એક અઠવાડિયા પહેલાં આપવાની ભલામણ છે.
• શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો. રીંગણના પાકમાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ અપનાવવું.
• ગ્રીન હાઉસમાં ઓફ સિઝનમાં ફાયદો મળી રહે તેવા પાકો જેવા કે જર્બેરા, કાર્નેશન, ગુલાબ, ગ્લેડીયોલસ, જેવા ફૂલ પાકો તેમજ ધાણાભાજી, મેથી, મરચા(કેપ્સીકમ), ટામેટા, કાકડી જેવા શાકભાજી પાકો લઇ શકાય.
બાગાયતઃ
• જામફળમાં મૃગબહાર લેવામાં આવે તો તેના ફળો શિયાળા દરમ્યાન મળે છે. જેની ગુણવત્તા ખુબજ સારી હોય છે, ફળમાખીનો ઉપદ્રવ ઓછો હોય છે. તેમજ વીટામીન – સીનું પ્રમાણ ઘણું હોય છે. આના માટે ફાલ ઉતાર્યા બાદ ઉનાળાની ઋતુમાં ફેબ્રુઆરી – મે માસ સુધી પાણી બંધ કરી આપવામાં આવે છે. ત્યારબાદ ખેડ કરી ગોડ કરવો અને ખાતર પાણી આપવું તેમજ રોગ – જીવાતવાળી સુકી ડાળીઓ કાપી નાખવી.
• બોરમાં છટણી સામાન્ય રીતે એપ્રિલના બીજા પખવાડિયાથી મે ના પ્રથમ પખવાડિયા સુધીમાં કરી શકાય છે. સીતાફળમાં ખાસ પ્રકારની છટણીની જરૂર રહેતી નથી પરંતુ થડની આજુબાજુ ફુટતી ડાળીઓ કાઢતા રહેવું.
• લીંબુના પાકમાં જીવાત અને રોગના નિયંત્રણ અંગે યુનિ.ની ભલામણ પ્રમાણે પાન કોરીયાના નિયંત્રણ માટે ફેન્થીઓન, ડાયમથીએટ અથવા કવીનાલફોસનો છંટકાવ કરવો. તેમજ ગુંદરીયા રોગના નિયંત્રણ માટે રોગ લાગેલ ભાગ ચપ્પુથી છોલી બોર્ડો પેસ્ટ અથવા ઓરીયોફંગીન દવા (૧૦ લિટર પાણીમાં ૧ ગ્રામ પ્રમાણે) ચોપડવાથી ફાયદો થાય છે
• દાડમ, ફૂલછોડ, ઔષધીય પાકો અને રક્ષિત ખેતી પાકોમાં થ્રીપ્સનાં નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• સીતાફળનાં વાવેતર માટે જી.જી.સી.એ.-૧ જાતનું વાવેતર કરવું
• લીબુમાં થડેથી નીકળતા પીલા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
નિકાસ દ્વારા વૈશ્વિક બજારોમાં સારા ભાવ મેળવવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઃ
• કરાર આધારિત ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ નિકાસકાર કંપની કે વેપારી સાથે સમન્વય કરવો જોઈએ.
• ખેડૂતોએ પોતાની પેદાશ ક્યાં આંતરાષ્ટ્રીય બજારમાં વેચવાથી વધુ ભાવ મળે તે નક્કી કરવું જોઈએ.
• આંતરાષ્ટ્રીય બજારમાં કઈ પધ્ધતિથી વેચાણ કરવું તે નક્કી કરવું જોઈએ જેમ કે, સીધું વેચાણ અથવા એજન્ટ દ્વારા વેચાણ.
• જંતુનાશકોના અવશેષો રહિત ઉત્પાદન મળે તેવું અગાઉથી જ આયોજન કરવું જોઈએ.
• ખેત પેદાશોનો બગાડ ન થાય તેના માટે યોગ્ય ગ્રેડિંગ કરી આકર્ષક પેકિંગ કરવું જોઈએ.