અરવલ્લી જિલ્લાની એસ.ઓ.જી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધુનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનારા બે રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે એક કિયા કાર લઈને બે શખ્સો મોડાસા તરફ આવી રહ્યા છે. પોલીસે રહીયોલ રેલ્વે ફાટક પાસે નાકાબંધી કરી આ ગાડીને અટકાવી હતી. જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી, ત્યારે આ શખ્સોએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
ઝડપાયેલ મુદ્દામાલ કુલ કિંમત ૯,૯૦,૩૪૦ રૂપિયાનો છે. જેમાં કિયા કાર કિંમત ૭,૦૦,૦૦૦, રોકડ રકમ ૧,૦૦,૫૪૦, સોનાના દાગીનામાં ચેઈન, વીંટી, બુટ્ટી અને કડી, ચાંદીની લક્કી, મોબાઈલ ફોન ૫ નંગ અને ઘી અને ચાના પાઉચ મળી આવ્યા છે.
આ શખ્સોની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. પકડાયેલા આરોપીઓ શીકાનાથ ધનાનાથ અને રામનાથ સમજ નાથ (બંને રહે. ધનીયાવાડા, બનાસકાંઠા) સાધુના કપડાં પહેરી ગામડે ગામડે ફરતા હતા. તેઓ ભોળા લોકોને “તમારા ઘરે મોટું દુઃખ છે” તેમ કહી ડરાવતા અને વિધિ કરવાના બહાને સોનાના દાગીના અને રોકડ પડાવી લેતા હતા. અરવલ્લી એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી લોકોમાં હાશકારો જાવા મળ્યો છે.