સવારનો સમય હતો. પૂર્વ દિશામાંથી બે નાના વાદળા આકાશમાં ચાલતાં-ચાલતાં નીકળ્યા. એક વાદળું સફેદ હતું અને બીજું ભૂખરું. સફેદ વાદળું ખૂલ્લા આકાશમાં મોજથી ફરી રહ્યું હતું. એ તો આમતેમ ડોલતું ડોલતું આગળ ચાલતું જતું હતું. જાણે કે આખા આકાશનો રાજા હોય! ભૂખરું વાદળું આ જોઈ ગુસ્સે થયું અને બોલ્યું, ‘‘અરે ઓ સફેદ વાદળ, જરા ઊભું રહે. આ તે આટલી બધી જગ્યા કેમ રોકી છે? તું તો સાવ હલકુ-ફૂલકું છે. ખસ, અહીંથી ખસ! મને આગળ જવા દે.’’
સફેદ વાદળ આ વાત સાંભળીને હસ્યું અને બોલ્યું, ‘અરે ભાઈ! હું શું કરવા ખસુ. જો ખસવું જ હોય તો તું ખસ. હું ધોળું રૂ જેવું રૂપાળું છું. ને હું તો આખાય આકાશની શોભા છું. મને જોઈને બધા રાજીરાજી થઈ જાય છે. એટલે હું ક્યાંય નહીં જાઉં. તમતમારે જવું હોય તો તમે જાવ.’
ભૂખરું વાદળું પણ સહેજેય ગાંજ્યું જાય તેમ નહોતું. એ થોડું વધુ ગુસ્સે ભરાયું ને બોલ્યું,‘અરે જા જા! તું ભલે ધોળું રૂ જેવું હોય. પણ તું તો સાવ પોચું-પોચું છે. તું કોઈ કામનું નથી. તારાથી કંઈ થાય એમ નથી. મારામાં તો પાણી ભરેલું છે. હું વરસાદ વરસાવી શકું છું. હું ધરતી પરના લોકોને પાણી આપી શકું છું. હું જ બધાને કામનું છું. પણ તું તો સાવ નકામું છે.’
આ સાંભળીને સફેદ વાદળને પણ ગુસ્સો આવ્યો. એ કહે, ‘હું ભલે પોચું ને હલકું હોઉં. પણ હું તારા કરતાં ઝડપી છું. હું જ્યાં ઈચ્છું ત્યાં ઝડપથી જઈ શકું છું. અને તું તો ભારેખમ છે. ધીમે ધીમે ચાલે છે. અને તું તો વરસાદ વરસાવીને ગાયબ થઈ જાય છે. પણ હું તો બારેય મહિના સૂર્યના પ્રકાશમાં ચમકું છું ને આકાશમાં હંમેશાં રહું છું.’ બંને વાદળા ઝઘડતાં-ઝઘડતાં આકાશમાં આગળ વધવા લાગ્યા. એમનો અવાજ પણ મોટો થતો જતો હતો, ‘હું મોટો! હું મોટો! હું કામનો! હું કામનો!’ એવામાં નીચે ધરતી પરથી એક નાનકડી છોકરીનો અવાજ આવ્યો. એ છોકરી એક ખેતરમાં ઊભી હતી અને બંને વાદળા તરફ જોઈને કહેતી હતી, ‘અરે ઓ વાદળા, તમે આમ કેમ ઝઘડો છો? આમ કાંઈ ઝઘડવાનું હોય ખરું! તમે બંને તો ખૂબ સારા છો. સફેદ વાદળ આવે ત્યારે આકાશ સુંદર લાગે છે અને ભૂખરું વાદળ આવે ત્યારે વરસાદ આવે છે. જેથી ખેતરોમાં અનાજ ઊગે ને ધરતી લીલીછમ રહે છે. તમે બંને ઉપયોગી છો. શાંત થાઓ! શાંત થાઓ! અને સાથે મળીને રહો ને ખૂલ્લા આકાશમાં હરો-ફરો ને આનંદ કરો.’
છોકરીની વાત સાંભળી બંને વાદળા થોડીવાર માટે શાંત થઈ ગયા. તેમને સમજાયું કે લડવાનું કોઈ કારણ નથી. બંનેએ એકબીજા સામે જોયું અને મલકયા. ને બંને સાથે મળી આકાશમાં રમવા ને ફરવા લાગ્યા.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭










































