અમરેલી જિલ્લામાં સાતમ આઠમના તહેવાર પર જુગારની મોસમ પૂરબહારમાં ખીલી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૨૫૦થી વધારે શકુનીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં આવા બનાવોમાં વધારો થતો જોવા મળે છે. પોલીસ પણ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડીને કેટલાક જુગારીઓને ઝડપી પાડે છે. જુગાર પ્રવૃત્તિઓ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં સક્રિય છે અને પોલીસ તેને ડામવા માટે કાર્યવાહી કરી રહી છે. છાપરી ગામે પ્રાથમિક સ્કૂલની બાજુમાં ખુલ્લી શેરીમાંથી ૧૪ ઈસમો રોકડા ૧૪,૦૬૦ સાથે ઝડપાયા હતા. ડેડાણ ગામે વાંગધ્રા રોડ ઉપર મહમદભાઇ અહેમદભાઇ ભોકીયાની વાડીની બાજુમાં આવેલ પડતર જગ્યામાંથી ૨૬ જુગારી રૂપિયા ૩૯,૭૧૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ચાવંડ ગામે લક્ષ્મી માતાના મંદિરવાળી શેરીમાં હિતેશભાઇ કાળુભાઇ ચૌહાણના રહેણાક મકાનેથી ૧૮ જુગારી રોકડા ૮૮,૮૫૦, ૧૭ મોબાઈલ મળી કુલ રૂ. ૧.૮૫,૩૭૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. ભાડા ગામે પુલ પાસેથી ૧૪ ઈસમો રોકડા ૭૧,૯૦૦ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. જિલ્લાભરમાં પોલીસે શ્રાવણીયો જુગાર રમતા ઇસમોને સાણસામાં લેતા કેટલાક પોલીસ સ્ટેશનના લોકઅપ પણ જુગારીઓથી ઉભરાયા હતા.








































