જિલ્લાના સાણંદમાં આવેલ પાંજરાપોળ નજીક આવેલ અવાવરુ જગ્યામાંથી ૧૦મી જુનના દિવસે સવારે ૧૧ વાગ્યા આસપાસ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જા કે યુવકની કોઈ ઓળખ ના થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આખરે યુવકની ઓળખ થતાં પોલીસે તેના મોબાઈલની કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શ્વાસ રૂંધાઈ જવાથી યુવકનું મોત થયું હોવાનું સામે આવતા યુવકની હત્યા થઈ હોવાની આશંકા ગઈ હતી. જેમાં સફળતા મળતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે મૃતક યુવક નિરંજન શર્માના બે સાથી મિત્ર રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે..જ્યારે સન્ની મંડલ નામનો આરોપી ફરાર છે.

મૃતક નિરંજન શર્મા મૂળ બિહારનો રહેવાસી છે. જે છેલ્લા એક વર્ષથી સાણંદમાં ખાનગી કંપનીમાં કામ કરે છે. જેની સાથે રવિકુમાર રાય, સોનલ ઘાટ અને સન્ની મંડલ પણ કામ કરે છે. અને ચારેય મિત્રો સાથે જ બે અલગ અલગ રૂમમાં રહે છે. નિરંજન શર્માનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવાની જાણ થતાં જ રવિ, સન્ની અને સોનલે સાથે મળીને ખંડણી માંગવાનો પ્લાન ઘડ્યો હતો. અને ખંડણીના ઇરાદે ૯મી જુનના દિવસે સાંજના ૪.૩૦ વાગ્યાની આસપાસ ત્રણેય નિરંજનને નળસરોવર રોડ પર ચા પીવા માટે લઈ ગયા હતાં. બાદમાં સાંજના સમયે તેને જમવાના બહાને સોનલની રૂમમાં લઈ ગયા હતાં. જ્યાં તક મળતા જ સન્નીએ નિરંજનને પાછળથી બળપૂર્વક મોઢું દબાવી નીચે પછાડી દીધો હતો. બાદમાં તકિયા વડે મોઢું દબાવી રાખ્યું હતું. જ્યારે સોનલે બંન્ને પગ દબાવી રાખ્યા હતાં. અને રવિએ હાથ પકડ્યા હતાં. જા કે લાંબા સમય સુધી શ્વાસ રૂંધાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આરોપીઓએ પોતાની કરતુતો છુપાવવા માટે એક ટ્રોલી બેગ ખરીદી હતી. અને મૃતદેહને બેગમાં ભરીને પાંજરાપોળ પાસેની અવાવરુ જગ્યામાં ફેંકી બેગ લઈને પરત આવી ગયા હતાં. બાદમાં ત્રણેય પોતાના વતનમાં જતાં રહ્યા હતાં.

શરૂઆતના તબક્કે જ્યારે પોલીસને નિરંજનના રૂમ પાર્ટનર રવિની પૂછપરછ કરી ત્યારે તેની ગતિવિધિ શંકાસ્પદ લાગતી હતી. જા કે જ્યારે ટેકનિકલ તપાસ કરતાં પોલીસને શક મજબુત બન્યો હતો. રવિએ નિરંજન અને તે બંન્ને સાથે ક્રિકેટ રમવા માટે ગયા હતાં. બાદમાં નિરંજનનો કોઈ પત્તો ના હોવાનું રટણ કરી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં તેઓ ક્યાય પણ ક્રિકેટ રમવા માટે ગયા જ ના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ઉલટ તપાસમાં રવિની પોલ ખુલ્લી પડી જતાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલ આરોપીઓમાં રવિ મૂળ ઝારખંડ, સોનલ અને સન્ની મંડલ બિહારના રહેવાસી છે. અને છેલ્લા એક વર્ષથી તેઓ અહીં સાથે કામ કરે છે. તમામ આરોપીઓએ આઈટીઆઈનો અભ્યાસ કર્યો છે. નિરંજનની વાતો પરથી તેનો પરિવાર આર્થિક રીતે સદ્ધર  હોવાની જાણ આરોપીઓને થઈ હતી. જેથી તેમની દાનત બગડતા ખંડણી માંગવાનો પ્લાન ઘડ્યો હતો.